Sat. Aug 13th, 2022

જ્યારે સેનાનો જવાન શહીદ થાય છે ત્યારે દુ:ખ થાય છે. ખાસ કરીને તે સૈનિકના પરિવાર માટે આ દુ:ખ સહન ના થાય તેવુ હોય છે. આવી સ્થિતિમાં પરિવાર વિચારે છે કે આપણે આપણા ઘરનો દીવો છેલ્લી વખત દર્શન કરી લઈએ. પરંતુ યુપીના મુરાદનગરના હિસાલી ગામના એક પરિવારે આ માટે 16 વર્ષ રાહ જોવી પડી. વાસ્તવમાં તેમના પુત્ર અમરીશ ત્યાગીનો મૃતદેહ 16 વર્ષ બાદ બરફમાં દબાએલો મળી આવ્યો હતો.

અમરીશ ત્યાગી 23 ઓક્ટોબર, 2005 ના રોજ સિયાચીનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક અકસ્માતને કારણે તેઓ ઉત્તરાખંડમાં હર્ષિલ ખાડીમાં પડી ગયા હતા. શહિદ સાથે વધુ 3 જવાન હતા, જેમના મૃતદેહો ત્યારે જ મળ્યા હતા, પરંતુ અમરીશની કોઈ પતો મળ્યો ના હતો. ત્યારબાદ લગભગ 16 વર્ષ બાદ બે દિવસ પહેલા બરફ પીગળવાને કારણે એક મૃતદેહ જોવા મળ્યો હતો. શરીરના કપડાં અને કેટલાક કાગળોના આધારે તેમની ઓળખ અમરીશ તરીકે થઈ હતી.

અમરીશનો મૃતદેહ મળ્યો ન હતો, તેથી પરિવારજનો ક્યારેય તેમનુ મૃત્યુ થયુ છે તેવુ માનતા ન હતા. તેઓ હંમેશા વિચારતા હતા કે અમરીશ જીવતો હશે અને દુશ્મનની જાળમાં ફસાયેલા હશે. આર્મીના માણસો અને સંબંધીઓ તેમને વારંવાર કહેતા હતા કે અમરીશ હવે નથી રહ્યા, પરંતુ પરિવારને આશા હતી કે તે જીવતા હશે. તેમણે પિતુ પક્ષ દરમિયાન ન તો શ્રાદ્ધ કર્યું અને ન તો મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કર્યા.

અમરીશના મોટા ભાઈ રામ કુમાર ત્યાગી કહે છે કે અમે ક્યારેય અમરીશ વિશે આશા છોડી નથી. અમે વિચાર્યું કે તે દુશ્મનથી પોતાનો જીવ બચાવવા માટે અહીં અને ત્યાં દોડતો હશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરની સાંજે દિલ્હી આર્મી હેડક્વાર્ટરમાંથી 3 અધિકારીઓ આવ્યા અને ઉત્તરાખંડમાં અમરીશના મૃતદેહની પ્રાપ્તિ અંગે માહિતી આપી.

અમરીશના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. 2005 માં સિયાચીનમાં ધ્વજ ફરકાવનાર અમરીશ 23 ઓક્ટોબર, 2005 ના રોજ હર્ષિલ વિસ્તારમાં અકસ્માતને કારણે અન્ય ત્રણ જવાનો સાથે ખાઈમાં પડી ગયા હતાં. પછી બાકીના સૈનિકોનો મૃતદેહ મળ્યો હતો પણ અમરીશના કોઈ સમાચાર ન હતા.

જ્યારે અમરીશ ગુમ થયા ત્યારે તેમની પત્ની પ્રેગનન્ટ હતી. તેમના મૃત્યુના 5 મહિના બાદ તેમણે એક પુત્રીને જન્મ આપ્યો. અમરીશે 2005 માં લગ્ન કર્યા હતા. અમરીશનો મૃતદેહ સોમવાર સુધીમાં આવી શકે છે, જ્યારે પરિવાર તેમના અંતિમ સંસ્કાર કરશે. એસડીએમ મોદીનગરના આદિત્ય પ્રજાપતિનું નિવેદન આવ્યું છે કે અંતિમ સંસ્કાર લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યારે મારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી.જો તેમનો મૃતદેહ અહીં લાવવામાં આવશે તો તેમના મૃતદેહને લશ્કરી સન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

અમરીશની માતાને પુત્રની અંતિમ વખત ચેહરો જોવાની ખૂબ ઈચ્છા હતી. પરંતુ ચાર વર્ષ પહેલા પુત્રના અલગ થવાને કારણે તેમનું અવસાન થયું હતું. જો તે આજે જીવતી હોત તો તેણે છેલ્લી વાર પુત્ર અમરીશનો ચહેરો જોવા મળ્યો હોત.

By admin

Leave a Reply

Your email address will not be published.