Fri. Aug 19th, 2022

આપણે ત્યાં નાળિયેરની શ્રીફળ શા માટે કહે છે એ જાણો છો? કારણકે આપણા સારા-માઠા દરેક પ્રસંગે ‘ નાળિયેર ‘ અચૂક પ્રયોજાય છે. મકાનના વાસ્તુ પૂજન માં કે કોઈ પવિત્ર યજ્ઞમાં હવનના અંતે નાળિયેર હોમાય છે. દીકરા દીકરીને સગાઈમાં રૂપિયો અને નાળિયેર અપાય છે. અરે, અર્થી ઉપાડતી વખતે તેના ચારે ખૂણે ચાર નાળિયેર બંધાય છે. અને અંતિમ સંસ્કાર માટે સાથે નખાય છે.

ટૂંકમાં, આપણા કોઇપણ ધાર્મિક પ્રસંગ આ નાળિયેર વગર શક્ય નથી. આ ઉપરાંત આયુર્વેદિય મતે તેમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે. એટલે તેને શ્રીફળ કહેવાય છે. આ વખતે આપણા પવિત્ર ફળ અને આયુર્વેદના અનુપમ ઔષધનો વાચકોને સંક્ષિપ્તમાં પરિચય કરાવવો.

ગુણધર્મ:- સમુદ્રકિનારે ખૂબ જ થતા આ વૃક્ષના બગીચાઓની શોભા અનન્ય હોય છે. નાળિયેરના વૃક્ષો દક્ષિણ ભારત, કચ્છ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, બર્મા, મલાયા, સિલોન, આફ્રિકા, અમેરિકા વગેરે દેશો પ્રદેશોના સમુદ્ર કિનારાના સ્થળોએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

નારિયેળ સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, વાયુ અને પિત્ત શામક, મળ અને વાયુને નીચેની તરફ સરકાવનાર, હૃદય માટે હિતકારી, મૂત્રાશયની શુદ્ધિ કરનાર, બળ પ્રદ, પૌષ્ટિક તથા તૃષા ,દાહ બળતરા, રક્ત દોષ અને તાવ નો નાશ કરનાર છે. નાળિયેરનું પાણી શીતળ, શરીરનો રંગ વર્ણ સુધારનાર, મૂત્ર સાફ લાવનાર, દાહ શામક તથા પિત્તની બળતરા શાંત કરનાર છે.

લીલું નાળિયેર ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ,પ્રોટીન અને ખનિજ ક્ષારો પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. ઘણા જરૂરી આરોગ્ય દાયક તત્વો અને વિટામિન નાળિયેરમાં સમાયેલા છે.

ઉપયોગો’:-. અમ્લ પિત્ત , એસિડિટી માટે નાળિયેરના પાણીનો એક સરસ ફળદાયી ઉપચાર પ્રયોગ આ પ્રમાણે છે. પાંચ લિટર નાળિયેરના પાણીને ધીમા તાપે પકવવું. પાણી થોડું ઘટ્ટ બને ત્યારે તેમાં જાયફળ, જાવંત્રી અને ત્રિકટુ નું એક-એક ચમચી ચૂર્ણ નાખી બાટલી ભરી લેવી. આ દ્રવ ઔષધ એક-એક ચમચી સવાર-સાંજ લેવાથી અમ્લ પિત્ત મટી જાય છે. ૧૦થી૧૫ દિવસ આ ઉપચાર કરવો.

શિયાળાના ત્રણથી ચાર મહિના સવારે કોપરું અને ગોળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો હાડ ન લેતાં પાતળાં બાળકો પુષ્ટ થાય છે. યુવક યુવતીઓના શરીર સુદ્રઢ બને છે. છાતી પહોળી થાય છે. ઊંચાઈ વધે છે. સવારના નાસ્તામાં થોડું કોપરું અને ખજૂર ખાવામાં આવે તો વીર્ય ની વૃદ્ધિ થાય છે. શુક્ર જંતુ ઓની સંખ્યા વધે છે.

મૂત્રમાર્ગના રોગો માં નાળિયેરનું પાણી ખૂબ જ હિતકારી છે. વારંવાર યુરિન ઇન્ફેક્શન થતું હોય તેમણે નારિયેળ પાણીમાં સાકર અને ધાણાનો પાવડર મેળવીને નારિયેળ પાણી પીવાથી રક્તસ્રાવી મસા, નસકોરી ફૂટવી, રક્તાતિસાર વગેરેમાં ફાયદો થાય છે.

નાળિયેરનાં તાજા ફૂલો લાવી, તેનો વિધિવત્ ગુલકંદ બનાવી, તેમાં સફેદ ચંદન અને વિરણ વાળાનું થોડું ચૂર્ણ ઉમેરી પાણી સાથે પીવામાં આવે તો ઊબકા, ઊલટી ,અતિસાર ઝાડા ,મોઢાના ચાંદા તૃષા વગેરે મટે છે.

By admin

Leave a Reply

Your email address will not be published.