Sun. Aug 14th, 2022

શિવપુરાણમાં શિવભક્તિ અને શિવમહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. બધાં જ પુરાણોમાં શિવને ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય તથા કરુણાની મૂર્તિ બતાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે શિવ સહજ પ્રસન્ન થઈ જનારા તથા મનોવાંછિત ફળ આપનારા છે.

શિવપુરાણમાં શિવજીનાં જીવન-ચરિત્ર પર પ્રકાશ પાડતા તેમની રહેણીકરણી, વિવાહ અને તેમના પુત્રોની ઉત્પત્તિના વિષયમાં વિશેષ જાણકારી આપવામાં આવી છે.ભગવાન શિવ હંમેશાં લોકોપકારી અને હિતકારી છે. ત્રિદેવોમાં તેમને સંહારના દેવતા માનવામાં આવ્યા છે. અન્ય દેવતાઓની પૂજા-અર્ચનાની તુલનામાં શિવોપાસનાને ખૂબ જ સરળ માનવામાં આવી છે. અન્ય દેવતાઓની જેમ સુગંધિત પષ્પમાળાઓ અને મીઠાં પકવાનોની જરૂર પડતી નથી.

શિવજી તો સ્વચ્છ જળ, બીલીપત્ર, કાંટાળા અને ખાવામાં ઉપયોગી ન હોય તેવા છોડનાં ફળ-પાન જેમ કે ધતૂરો વગેરેથી પ્રસન્ન થાય છે. શિવજીને સુંદર વસ્ત્રો કે અલંકારોની પણ જરૂર નથી. મહાદેવ તો જટાજૂટધારી, ગળામાં વીંટાયેલા સર્પ અને રુદ્રાક્ષની માળાઓ, શરીર પર વાઘમ્બર, ચિતાની ભસ્મ લગાવી તથા હાથમાં ત્રિશૂળ પકડી ડમરુ વગાડીને સમગ્ર વિશ્વને નચાવે છે, તેથી તેમને નટરાજની સંજ્ઞા આપવામાં આવી છે.

તેમની વેષભૂષાથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે. શીશ પર ગંગા અને ચંદ્ર જીવન તથા કલાના દ્યોતક છે. શરીર પર લગાવેલી ચિતાની ભસ્મ મૃત્યુની પ્રતીક છે. આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુસાગરમાં લીન થઈ જાય છે.મહાદેવ નીલકંઠ કહેવાય છે, કારણ કે સમુદ્રમંથન સમયે જ્યારે વિષ બહાર નીકળ્યું ત્યારે દેવ-દાનવોમાંથી કોઈએ તેને ન સ્વીકાર્યું.

જ્યારે તેને ગ્રહણ કરવા માટે કોઈ તૈયાર ન થયું ત્યારે શિવજીએ જ તે મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. તેને લીધે તેમનો કંઠ નીલો થઈ ગયો. ત્યારથી જ ભોળાનાથ નીલકંઠ કહેવાયા. આવા પરોપકારી અને અપરિગ્રહ શિવજીનું ચરિત્ર વર્ણન કરવા માટે જ શિવમહાપુરાણની રચના કરવામાં આવી. આ પુરાણ ભક્તિગ્રંથ છે, જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિને મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ જણાવાયો છે.

મનુષ્યોએ નિષ્કામભાવથી પોતાનાં તમામ કર્મો શિવજીને અર્પણ કરવાં જોઈએ. વેદો અને ઉપનિષદોમાં ૐ ના જપને મુક્તિનો આધાર કહ્યો છે. આ સિવાય ગાયત્રી મંત્રના જપને પણ શાંતિ અને મોક્ષકારક કહેવામાં આવ્યો છે. શિવમહાપુરાણમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતા (પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ) એમ આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે જે મોક્ષકારક છે.પુરાણમાં સર્વ પ્રથમ શિવપુરાણનું માહાત્મ્ય જણાવાયું છે. આ પ્રસંગમાં ચંચુલા નામની એક પતિવ્રતા સ્ત્રીની કથા છે જે શિવપુરાણ સાંભળીને સ્વયં સદ્ગતિ મેળવે છે, એટલું જ નહીં, પોતાના કુમાર્ગગામી પતિને પણ મોક્ષ અપાવે છે.

તદ્ઉપરાંત શિવ પૂજાની વિધિ પણ જણાવાઈ છે. શિવકથા સાંભળનારને ઉપવાસ વગેરે ન કરવા જણાવાયું છે, કારણ કે ભૂખ્યાપેટે કથામાં મન નથી લાગતું. સાથે ગળ્યું અને વાસી ભોજન તથા વાયુ-વિકાર ઉત્પન્ન કરવાવાળી દાળો, રીંગણ, મૂળો, લસણ, ડુંગળી, ગાજર વગેરેનું સેવન ર્વિજત કહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published.